રાજકોટ-મોરબીમાં ઈન્કમટેકસનું મેગા ઓપરેશન : ૪૬ સ્થળે દરોડા

રાજકોટમાં ૬ અને મોરબીમાં ૪૦ સ્થળે ઈન્કમટેકસની ટીમો ત્રાટકી : રાજકોટના ઉદ્યોગપતિઓ-મોરબીના પ્રખ્યાત સીરામીક ગૃપ અને બીલ્ડરોના નિવાસ સ્થાનો, ઓફિસ ખાતે સર્ચ ઓપરેશન

રાજકોટ-મોરબીમાં ઈન્કમટેકસનું મેગા ઓપરેશન : ૪૬ સ્થળે દરોડા

(બ્યુરો)   રાજકોટ/મોરબી તા.૧૬ 
નવરાત્રી-દિવાળીના તહેવારો પૂર્વે જ ઈન્કમટેકસ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આજે રાજકોટમાં ૬ અને મોરબીમાં ૪૦ મળીને કુલ ૪૬ સ્થળોએ વહેલી સવારથી દરોડા પાડવામાં આવ્યા છે. મોરબીમાં જાણીતા લેવિસ ગ્રેનીટો ઉપરાંત રાજકોટમાં તેમના ભાગીદારોના નિવાસે પણ રેડ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોટન ના ધંધા સાથે સંકળાયેલા અને મોરબીમાં ગ્રુપ સાથે કનેકશન ધરાવતા રાજકોટના ઉદ્યોગપતિઓ પાછા ઝપટે ચડયા હતા. દરોડા ઓપરેશનમાં કરોડોના બિનહિસાબી વ્યવહારો 
પકડાવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
મોરબીના હળવદ રોડ ઉપર આવેલ લેવીસ સિરામિક ગ્રુપના તમામ ભાગીદારો તેમજ મોરબીના અગ્રણી બિલ્ડરોને ત્યાં રહેણાંક મકાન, કારખાના, ઓફિસ વિગેરે સ્થળે આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી આઈટી વિભાગની જુદી જુદી ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને અંદાજે ૨૫૦ જેટલા આઈટી વિભાગના અધિકારીઓ આ સર્ચ ઓપરેશનમાં જોડાયા હોય મોટા પાયે બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ દરોડાની કાર્યવાહીમાં મોટી રકમના કેટલાક વ્યવહારો પ્રકાશમાં આવતા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરોડાની કાર્યવાહીમાં રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા સહિતના ૨૫૦થી વધુ આયકર અધિકારીએ પોલીસ કાફલા સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.