દેશમાં મોંઘવારીએ ગૃહિણીના બજેટને ખોરવી નાખ્યું

ડુંગળીથી લઈ ખાંડ પર મોંઘવારીનો પ્રહાર : ૧૩ ખાદ્ય ચીજો બની : સામાન્ય જનતાનું જીવવું મુશ્કેલ બન્યું

દેશમાં મોંઘવારીએ ગૃહિણીના બજેટને ખોરવી નાખ્યું

(એજન્સી)    નવી દિલ્હી તા.૨૬
દેશમાં વધી રહેલી મોંઘવારીની સીધી અસર હવે સામાન્ય માણસના રસોડા પર જોવા મળી રહી છે. સરકારી આંકડા મુજબ છેલ્લા એક વર્ષમાં કુલ ૧૩ જરૂરી ખાદ્ય ચીજો મોંઘી થઈ છે, જ્યારે માત્ર ૨ ચીજોના ભાવમાં ઘટાડો નોંધાયો છે. એક તરફ ડુંગળીના ભાવ લગભગ બમણા થઈ ગયા છે અને ખાંડ ૩૧% જેટલી મોંઘી થઈ છે, તો બીજી તરફ સરસવ, સોયા અને સૂર્યમુખી તેલના ભાવમાં પણ આશરે ૧૫% નો વધારો નોંધાયો છે.
કેન્દ્ર સરકારના ૨૪ નવેમ્બર ૨૦૨૫ અને ૨૪ નવેમ્બર ૨૦૨૬ ના સત્તાવાર આંકડા મુજબ, છેલ્લા એક વર્ષમાં ડુંગળીની કિમતમાં સૌથી વધુ વધારો થયો છે. ગત વર્ષે ૨૪ નવેમ્બરે ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ ૨૬.૯૫ રૂપિયા પ્રતિ કિલો હતો, જે હવે વધીને ૫૩.૩૮ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. આમ, એક વર્ષમાં ડુંગળીના ભાવમાં ૯૮.૦૭%નો તોતિગ વધારો થયો છે. એ જ રીતે, ખાંડનો ભાવ પણ ૪૬.૬૦ રૂપિયાથી વધીને ૬૧.૦૬ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે, જે ૩૧.૦૩% નો વધારો દર્શાવે છે.
અનાજની વાત કરીએ તો ચોખાનો છૂટક ભાવ ૪૩.૩૪ રૂપિયાથી વધીને ૪૮.૨૫ રૂપિયા પ્રતિ કિલો થયો છે, એટલે કે તેમાં ૧૧.૩૩%નો વધારો થયો છે. આ ઉપરાંત ઘઉં અને લોટના ભાવમાં પણ સામાન્ય વધારો જોવા મળ્યો છે. કઠોળના ભાવમાં પણ ગ્રાહકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. ચણાની દાળનો છૂટક ભાવ ૮૬.૮૫ રૂપિયાથી વધીને ૯૬.૧૩ રૂપિયા પ્રતિ કિલો થયો છે, જેમાં ૧૦%થી વધુનો વધારો છે. તુવેર દાળ ૧૧૫ રૂપિયાથી વધીને ૧૩૬ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે, જે આશરે ૧૮% મોંઘી થઈ છે. મસૂર દાળની કિમતમાં પણ ૧૫%થી વધુનો વધારો નોંધાયો છે.