બિહાર વિધાનસભાની ચૂંટણીના અંતિમ તબક્કામાં આજે ૧રર બેઠકો પર મતદાન : સાંજે એક્ઝિટપોલ
(એજન્સી) પટના, તા. ૧૧:
બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન આજે સવારે ૭ વાગ્યાથી શરૂ થઈ ગયું છે. મતદાનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે જહાનાબાદ સહિત અનેક સ્થળોએ સવારે ૬ વાગ્યાથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો લાગી ગઈ હતી.
આ અંતિમ તબક્કામાં બિહારના આશરે ૩.૭૦ કરોડ મતદારો કુલ ૧૨૨ બેઠકો પર મેદાનમાં રહેલા ૧૩૦૨ ઉમેદવારોના ભાવિનો ર્નિણય કરશે. મતદાન કુલ ૪૫,૩૯૯ મતદાન કેન્દ્રો પર થઈ રહ્યું છે, જેમાંથી ૪૦,૦૭૩ કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારોમાં છે. પ્રથમ તબકકાની જેમ આજના બીજા તબકકામાં પણ રેકોર્ડબ્રેક વોટીંગ થાય છે કે કેમ ? તેના પર તમામ રાજકીય પક્ષોની મીટ મંડાયેલી છે.
બિહારમાં બીજા તબકકાનાં મતદાનમાં ગયાજી, ઔરંગાબાદ, નવાદા, ભાગલપુર, સહીતનાં અનેક સંવેદનશીલ ક્ષેત્રોની બેઠકો પણ સામેલ છે. ૧૨૨ બેઠકો પરથી ચૂંટણીમાં ૧૩૦૨ ઉમેદવારો ૧૨ નો જંગ છે તેમાં ૧૧૬૫ પુરૂષ, ૧૩૬ મહિલા અને એક ટ્રાન્સજેન્ડર ઉમેદવાર સામેલ છે. ૩.૭ કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. તેમાં ૧.૯૫ કરોડ પુરૂષ અને ૧.૭૪ કરોડ સ્ત્રી મતદારો છે.
આજના ચૂંટણી જંગમાં જાણીતા નેતાઓ-ઉમેદવારો સહિત સેલીબ્રીટીઓએ મતદાન કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ પણ મહતમ મતદાન કરવાની અપીલ કરી હતી. આજે બીજા તબકકાનાં ચૂંટણી જંગમાં સામેલ મોટાભાગનાં જીલ્લાઓ નેપાળ, પશ્ચિમ બંગાળ તથા ઝારખંડ સાથે જોડાયેલા છે.
૨૦૨૦ ની ગત ચૂંટણીમાં આ ૧૨૨ બેઠકોમાં એનડીએની બહુમતી હતી. અને નીતીશકુમારનાં નેતૃત્વમાં સરકાર રચવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.


