વેરાવળમાં મોટા ભાઈની હત્યા કરનાર નાના ભાઈની ગણતરીની કલાકોમાં ધરપકડ

જમવાનું માંગવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા નાના ભાઈએ પથ્થર અને લાકડાના ફટકા મારી મોટા ભાઈની હત્યા નિપજાવી : વેરાવળ સિટી પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વેરાવળમાં મોટા ભાઈની હત્યા કરનાર નાના ભાઈની ગણતરીની કલાકોમાં ધરપકડ

(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા.ર૬
વેરાવળ શહેરમાં સગા નાના ભાઈએ જ પોતાના મોટા ભાઈની પથ્થર અને લાકડાના ફટકા મારી કરેલી હત્યાના ચકચારી બનાવમાં વેરાવળ સિટી પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી નાના ભાઈને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ બનાવ અંગે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એચ. ચાવડાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત તા. ૨૩ નવેમ્બર, ૨૦૨૬ના રોજ રાત્રિના આશરે ૮ વાગ્યાના અરસામાં વેરાવળ રેલવે સ્ટેશનની સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા બે સગા ભાઈઓ સુરેશ મનજીભાઈ સોલંકી અને ભોલા મનજીભાઈ સોલંકી વચ્ચે ઝઘડો થયો હતો. મળતી માહિતી મુજબ, મૃતક સુરેશ સોલંકીએ પોતાના નાના ભાઈ ભોલા સોલંકીના ઘરે જમવાનું માંગ્યું હતું. આ સામાન્ય બાબતે નાનો ભાઈ ભોલા એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને બંને વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો હિંસક બન્યો હતો. ઉશ્કેરાયેલા ભોલા સોલંકીએ પથ્થર અને લાકડાના ફટકા વડે પોતાના મોટા ભાઈ સુરેશ સોલંકીના માથાના ભાગે ઉપરાછાપરી હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓના કારણે સુરેશ સોલંકીનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં વેરાવળ સિટી પોલીસ હરકતમાં આવી હતી અને હત્યાના બનાવ અંગે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાના આરોપી ભોલા મનજીભાઈ સોલંકીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં PI કે.એચ. ચાવડાએ જણાવ્યું હતું કે, આ બનાવ અંગે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નજીવી બાબતે થયેલા પારિવારિક ઝઘડાનો કરુણ અંજામ આવતાં એક પરિવારનો માળો વિખેરાયો છે. સગા મોટા ભાઈની હત્યાના આરોપમાં નાના ભાઈની ધરપકડ થતાં વેરાવળ પંથકમાં આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે.