મુંબઈમાં ‘ઇન્ડિયા મેરિટાઇમ વીક ૨૦૨૫’નો કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે પ્રારંભ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની સમુદ્રિક વિરાસત અને વર્તમાન વૈશ્વિક વિકાસની પ્રભાવક પ્રસ્તુતિ કરી

મુંબઈમાં ‘ઇન્ડિયા મેરિટાઇમ વીક ૨૦૨૫’નો કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે પ્રારંભ

ગાંધીનગર તા. ર૮
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈમાં ઈન્ડિયા 'મેરીટાઈમ વીક-૨૦૨૫'ના ઉદઘાટન અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’નો માર્ગ અપનાવ્યો છે અને રાજયનાં પોર્ટ્સને સમૃદ્ધિનું દ્વાર બનાવ્યા છે. ભારત સરકારના પોર્ટસ, શિપિંગ એન્ડ વોટરવેઝ મંત્રાલય દ્વારા બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે ૨૭ થી ૩૧ ઓક્ટોબર દરમિયાન આયોજિત ઇન્ડિયા મેરીટાઈમ વીક- ૨૦૨૫ના ઉદઘાટન સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મેરિટાઈમ સેક્ટરના વિકાસની પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે મુંબઈમાં આ દ્વિવાર્ષિક મેગા ઇવેન્ટનો પ્રારંભ પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ મંત્રી સર્બાનંદ સોનોવાલજીની તથા મહારાષ્ટ્ર, ગોવા અને ઓડિસ્સાના મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં થયો હતો. આ અગ્રણી વૈશ્વિક મેરિટાઇમ ઇવેન્ટમાં ૧૦૦થી વધુ દેશોના મેરિટાઇમ ઇન્ડસ્ટ્રીના લીડર્સ, ઇનોવેટર્સ, ઇનવેસ્ટર્સ અને સ્ટેકહોલ્ડર્સ એક મંચ પર જાેડાયા હતા. મુખ્યમંત્રીએ આ સમિટના ઉદઘાટન સત્રમાં ગુજરાતની સામુદ્રિક વિરાસત અને વર્તમાન વૈશ્વિક વિકાસની ગાથા પ્રસ્તુત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચીપ અને શિપ બંને વિકસાવવાની જે ઇકોસિસ્ટમ ઊભી થઈ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્ત્મનિભર ભારતના સંકલ્પને વેગવાન બનાવશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં ગુજરાત આજે મેરિટાઇમ એક્સલેન્સનું ગ્લોબલ લીડર બન્યું છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી સમુદ્રી વિકાસની ગૌરવશાળી યાત્રાનો પ્રારંભ આજથી બે દશક પહેલા થયો હતો. તેમણે ગુજરાતને ‘સમુદ્ર સે સમૃદ્ધિ’નું વિઝન આપ્યું તેના પરિણામે આજે ગુજરાત વિશ્વભરના દેશો માટે મેરિટાઇમ ગેટવે ઑફ ધ નેશન બની ગયુ છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે પોર્ટ્સને રોડ-રસ્તા અને રેલ નેટવર્કથી જાેડીને સુદ્રઢ કનેક્ટિવિટી પૂરી પાડી છે તથા પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારીને પણ પ્રોત્સહન આપ્યું છે. તેમના વિઝનથી આજે ગુજરાતના પોર્ટ્સ વ્યાપારના કેન્દ્રોની સાથે-સાથે રોજગાર, ઉદ્યોગ અને વિકાસના જીવંત કેન્દ્રો બન્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યની મેરિટાઈમ સેક્ટરની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ગુજરાતે દેશને પોર્ટ લેડ ડેવલપમેન્ટનું એક અનોખું અને સફળ મોડેલ આપ્યું છે. આજે ગુજરાત દેશના કુલ કાર્ગો ટ્રાફિકના ૪૦ ટકાથી વધુનું સંચાલન કરે છે.
તેમણે ઉમેર્યુ કે, દેશના LNG-LPG ક્ષેત્રમાં પણ ગુજરાત અગ્રેસર છે. દહેજમાં LNG ટર્મિનલ દેશના કુલ LNG-LPG હેન્ડલિંગમાં ૮૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત, દેશના કુલ જહાજ રિસાયક્લિંગના ૯૮ ટકા ગુજરાતના અલંગ શિપ રિસાયક્લિંગ યાર્ડમાં થાય છે તેમ જણાવ્યું હતું. ગુજરાતની મેરિટાઈમ ઓળખ માત્ર મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી સીમિત ન રહેતા રાજ્યના પ્રાચીન વિરાસત-વૈભવ અને ગૌરવનો પણ અભિન્ન હિસ્સો રહ્યો છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, દુનિયાના સૌથી જૂના ડૉકયાર્ડ લોથલમાં વડાપ્રધાનના માર્ગદર્શનમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પલેક્સનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ  વડાપ્રધાનના વિઝન ‘વિકાસ ભી-વિરાસત ભી’નું જીવંત ઉદાહરણ પણ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા મેરીટાઈમ અમૃતકાલ વિઝન ૨૦૪૭ને સાકાર કરવા ગુજરાતના મેજર અને નોનમેજર પોર્ટ્સની ક્ષમતા વધારીને ૨૦૪૭ સુધીમાં ૩ હજાર MMTPA કરવાનું લક્ષ્ય રાખ્યુ છે તેની પણ ભૂમિકા આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બ્લૂ ઇકોનોમીના વિઝનને પ્રોત્સાહન આપવા અંગેના ગુજરાતના પ્રયાસો વર્ણવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનના આ વિચારને સાકાર કરવા ગુજરાત અનેક બ્લૂ ઇકોનોમી સ્ટ્રેટેજી પર કામ કરી રહ્યું છે. આ માટે મેરિટાઈમ ઇનોવેશન, સ્કિલ ડેવલપમેન્ટ અને મેરિટાઇમ સેક્ટરની સમગ્ર ઇકોસિસ્ટમને સુદ્રઢ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતે કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ અને ફીશરીઝ માટના પ્રોજેક્ટ્સનું અમલીકરણ કર્યું છે. એવી જ રીતે સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત પોર્ટ મોર્ડનાઇઝેશન, કનેક્ટિવિટી અને સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ પોર્ટ સિટીના પ્રોજેક્ટ્સ પર તેજ ગતિથી કાર્ય થઈ રહ્યું છે. મુખ્યમંત્રીએ રાજ્યના શિપ રિસાયક્લીંગ ઉદ્યોગની વિશેષતા વર્ણવતા જણાવ્યું કે, દુનિયાના સૌથી મોટા શિપ રિસાઇક્લિંગ યાર્ડ અલંગમાં સ્થિત ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ચાલીસ હજારથી વધુ યુવાનોનું કૌશલ્યવર્ધન પણ કરવામાં આવ્યું છે તેનાથી ભવિષ્યમાં શિપ રિસાઇક્લિંગ સેક્ટરમાં રોજગાર અને સુરક્ષા પૂરી પાડશે.   મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનએ ભારતને વિશ્વની ટૉપ ફાઇવ શિપબિલ્ડિંગ કન્ટ્રીઝમાં સામેલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે તેને અનુરૂપ ગુજરાત વર્તમાન શિપયાર્ડ્સની કેપેસિટી વધારીને કમ્પલીટ સપોર્ટિવ પૉલિસી ફ્રેમવર્ક પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલે વડાપ્રધાનના વિકસિત અને આર્ત્મનિભર ભારત વિઝનને સાકાર કરવા માટે મેરિટાઇમ સેક્ટરના ઇન્ક્લૂઝિવ ગ્રોથ પર ભાર મૂક્યો હતો અને મેરિટાઇમ અમૃતકાલ વિઝન ૨૦૪૭ની દિશામાં સહિયારા પ્રયાસો કરવા માટે આહવાન કર્યું હતું. આ પ્રસંગે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, ઓડિશાના મુખ્યમંત્રી મોહનચરણ માંઝી, કેન્દ્રીય રાજ્ય મંત્રી શાંતનુ ઠાકુર, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે તથા અજિત પવાર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.