નેપાળમાં ફસાયેલા ભાવનગરના ૪૩ પ્રવાસીઓ ભારતની બોર્ડર પર પહોંચી જતા હાશકારો
(બ્યુરો) ભાવનગર તા.૪૩
નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને હિંસાને કારણે ભાવનગરના ૪૩, અમદાવાદના ૯ અને રાજકોટના ૫૦થી ૫૫ સહિત ગુજરાતના ૩૦૦થી વધુ લોકો નેપાળમાં ફસાયા છે. આ તમામ લોકોને સ્થાનિક હોટલો અને વૃદ્ધાશ્રમોમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. જોકે, કેન્દ્ર સરકાર અને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ભાવનગરના ૪૩ લોકોને ગત મોડી રાત્રે ભારત બોર્ડર પરત લાવવામાં આવ્યા છે, જ્યારે રાજકોટના ૩૦થી ૩૫ લોકોને ૨૧ સપ્ટેમ્બર સુધીમાં અને બાકીના ગુજરાતીઓને વહેલી તકે સુરક્ષિત રીતે ભારત પરત લવાશે. નેપાળમાં આવેલા તોફાનની સ્થિતિમાં ભાવનગરના નારી ગામથી ૪૩થી વધુ શ્રદ્ધાળુઓ ૨૨ દિવસની યાત્રા એ ગયા હતા. જે દરમિયાન નેપાળમાં થયેલા હિંસાના પગલે ફસાયા હતા. ત્યારે સ્થાનિક કોર્પોરેટરને આ માહિતી મળતાં તેમણે તમામ ફસાયેલા લોકોના સમાચાર મેળવ્યા હતા અને તાત્કાલિક કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા તથા ધારાસભ્ય જીતુ વાઘાણીને જાણ કરતા સરકાર દ્વારા તમામ પ્રવાસીઓને નેપાળમાંથી પરત લાવવામાં આવતા પ્રવાસીઓએ સરકારનો આભાર માન્યો હતો.


