ભારતે યુનોમાં પાકિસ્તાનને રોકડુ પરખાવી દીધું : કોઈ સલાહની જરૂર નથી
(એજન્સી) નવી દિલ્હી,તા.૧૧:
ભારતમાં અસ્થિરતા ફેલાવવા તથા આતંકી કૃત્યો આચરતા પાકિસ્તાનને વધુ એક વખત ભારતે તતડાવ્યુ હતું. યુનોની બેઠકમાં ત્રાસવાદને પ્રોત્સાહન આપતા તથા વૈશ્વિક સુરક્ષા માટે જોખમી પાકિસ્તાન પાસેથી કોઇ સલાહની જરૂર ન હોવાનું ભારતે રોકડુ પરખાવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. ભારતે સ્પષ્ટ કહી દીધું કે, તેને એવા દેશ પાસેથી કોઈ પાઠ શીખવાની કોઈ જરૂર નથી જે પોતે આતંકવાદીઓને આશ્રય અને ભંડોળ પૂરું પાડીને વિશ્વની સુરક્ષા માટે જોખમ ઊભુ કરે છે. જીનીવામાં ભારતના સ્થાયી મિશનના કાઉન્સેલર ક્ષિતિજ ત્યાગીએ કહ્યું હતું કે, ‘અમારે ફરી મજબૂરીવશ એવા દેશની ઉશ્કેરણીજનક વાતોનો જવાબ આપવો પડ્યો છે, જેના નેતાઓએ હાલમાં જ ખુદ પાકિસ્તાનને ‘ડમ્પ ટ્રક‘ કહ્યુ હતું.


