રાહુલ ઈફેકટથી ચૂંટણીપંચ જાગ્યું : મતદાર યાદીમાં નામો દાખલ તેમજ કમી કરવા ઈ-સાઈન ફરજીયાત
(એજન્સી) નવી દિલ્હી તા.ર૪ :
વિપક્ષના નેતા રાહુલ ગાંધી બિહારની ચુંટણીમાં ‘વોટ-ચોરી‘નો મુદો ગજાવી રહ્યા છે અને ચુંટણી પંચ પર સીધા પ્રહાર કરી રહ્યા છે તે સમયે રાહુલે કર્ણાટકના અલંદમાં મતદારની જાણ વગર જ તેના નામ મતદાર યાદીમાંથી રદ કરાયા હોવાના પુરાવા રજુ કરીને તેના આક્ષેપોને વજન આપી દીધુ હતું પછી સફાળા જાગેલા ચુંટણીપંચે હવે ઓનલાઈન મતદાર નામ યાદીમાંથી દુર કરવા માટે આધાર-લીંક મોબાઈલ-ફોન નંબર ફરજીયાત કર્યા છે.
અગાઉ ચુંટણીપંચે જ દાવો કર્યો હતો કે કોઈ મતદારના નામ ઓનલાઈન ડીલીટ થતા નથી. હવે ખુદ ચુંટણી પંચે જ મોબાઈલ આધારિત મતદાર નામ કમી કરવા માટે આધાર-લીંક મોબાઈલ વેરીફીકેશન ફરજીયાત બનાવ્યુ છે. ચુંટણીપંચે આ પ્રક્રિયાને ઈ-સાઈન તરીકે ઓળખાવી છે.
જેમાં ચુંટણીપંચના નેટપોર્ટલ તથા એપ. બન્નેને સાંકળી લીધા છે. આથી હવે મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા કે નામમા સુધારા- નામ રદ કરવાની પ્રક્રિયામાં જે તે વ્યક્તિના આધાર સાથે જોડાયેલા નંબર પર ઓટીપી આવશે. જેના આધારે જે તે વ્યક્તિએ જ આ પ્રક્રિયા કરી છે તે નિશ્ચિત કરાશે.વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક સપ્તાહ પુર્વે જ એક પત્રકાર પરિષદમાં કર્ણાટકના મલંદ ધારાસભા ક્ષેત્રમાં મતદાર યાદીમાંથી દુર કરવાની પ્રક્રિયાનો દૂર ઉપયોગ કરીને ૨૦૨૩ની ધારાસભા ચુંટણી પુર્વે મોટી સંખ્યામાં નામો ડીલીટ કરાયાનો આક્ષેપ પુરાવા સાથે કર્યો હતો તથા તેને વોટ-ચોરી દર્શાવી હતી.


