ઈન્ડિગો સામે કડક કાર્યવાહી કરવાની સરકારની સંસદમાં જાહેરાત : જવાબદારી નિશ્ચિત કરાશે
(એજન્સી) નવી દિલ્હી, તા. ૦૯ :
ઇન્ડિગો એરલાઇન્સનું ઓપરેશનલ સંકટ એક સપ્તાહથી વધુ સમયથી યથાવત્ રહેતા ભારતીય એરલાઇન્સ સેક્ટરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સતત ફ્લાઇટ્સ રદ થવાથી હજારો મુસાફરો પરેશાન છે. એરલાઈન્સના આ વલણથી નારાજ સરકારે હવે કડક પગલાં લેવાનો ર્નિણય કર્યો છે.
મીડિયા અહેવાલો અનુસાર, સરકાર ઇન્ડિગોની દૈનિક આશરે ૧૧૦ ફ્લાઇટ્સ (કુલ શેડ્યૂલના ૫%) છીનવીને અન્ય એરલાઇન્સને આપી શકે છે. જો પરિસ્થિતિ નહીં સુધરે તો, જરૂર પડ્યે વધુ ૫% ફ્લાઇટ્સનો કાપ મૂકવામાં આવી શકે છે, જે કુલ કાપ ૧૦% સુધી પહોંચી શકે છે.
દરમ્યાનમાં આજે લોકસભામાં સરકારે ઈન્ડિગો સંકટ અંગે સત્તાવાર નિવેદન કરતા એવું જણાવ્યું કે, ઈન્ડિગો એરલાઈન્સ સામે કડક કાર્યવાહી કરાશે અને જે
અવ્યવસ્થા સર્જાઈ તેના માટે કોણ જવાબદાર છે ? તે અંગેની જવાબદારી નિશ્ચિત થશે. રાજય કક્ષાના કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાઈડુએ આ અંગે લોકસભામાં નિવેદન કર્યું હતું.


