વિવિધ રાજ્યોની હાઈકોર્ટમાં ક્રિમિનલ કેસનો જંગી ભરાવો : સુપ્રિમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી

વિવિધ રાજ્યોની હાઈકોર્ટમાં ક્રિમિનલ કેસનો જંગી ભરાવો : સુપ્રિમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી
adobe stoke

એજન્સી)    નવી દિલ્હી તા.૧૨:
દેશની દરેક હાઈકોર્ટમાં લાંબા સમયથી પડતર ક્રિમિનલ અપીલની સંખ્યા મોટા પ્રમાણમાં વધી રહી હોવાનું અવલોકન કરી સુપ્રીમ કોર્ટે આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. ૬ આરોપીઓ સામેના કેસની સુનાવણી લાંબા સમયથી હાઈકોર્ટમાં પડતર હોવાની નોંધ સાથે સુપ્રીમ કોર્ટે તમામ આરોપીઓની ત્રણ વર્ષની સજા રદ કરવા અને તેમને જામીન આપવા હુકમ કર્યો હતો. 
૬ આરોપીઓને કસૂરવાર ઠરાવી ટ્રાયલ કોર્ટે સજા આપી હતી અને તેની સામે આરોપીઓએ કરેલી અપીલની સુનાવણી હાઈકોર્ટમાં પડતર હતી. આરોપીઓની અરજીની સુનાવણી જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ વિજય બિશ્નોઈની બેન્ચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યુ હતું કે, અપીલ કરવાનો કાનૂની હક છે અને અરજદારો કસ્ટડી હેઠળ છે. દેશની દરેક હાઈકોર્ટમાં પડતર ક્રિમિનલ અપીલની સંખ્યા ઘણી મોટી છે. અરજદારોએ કરેલી અપીલની સુનાવણી થવાની શક્યતા જણાતી નથી. સુપ્રીમ કોર્ટે ટકોર કરી 
હતી કે, અપીલ પર સુનાવણી વગર આરોપીઓએ આટલી સજા કાપવી પડે તો તેને મિસકેરેજ ઓફ જસ્ટિસ કહી શકાય.